ભારતીય નેશનલ કોંગ્રેસ નો ઇતિહાસ

૨૮ ડીસેમ્બર, ૧૮૮૫ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જ નહિ પરંતુ ભારતના રાજકારણનો ઐતિહાસિક દિવસ છે. ૧૨૫ વર્ષ પહેલાં મુંબઈ ખાતે ગોકુલદાસ તેજપાલ કોલેજના હોલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના માટે ભારતભરમાંથી ૭૨ જેટલા અગ્રણી પ્રતિનિધિઓ મળ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી. તેના સ્થાપક પ્રમુખશ્રી એ.ઓ.હ્યુમ હતા કે જેઓ ભારતની આઝાદીની માંગણી સાથે સહાનુભુતિ ધરાવતા અંગ્રેજ ઓફિસર હતા. અન્ય ઉપસ્થિત અગ્રણીઓમાં શ્રી વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજજી, ફીરોઝશાહ મહેતા, જી. સુભ્રમણ્યમ ઐયર વગેરે હતા. શ્રી હ્યુમનું માનવું હતું કે ભારતીય પ્રજા તેમના પ્રશ્નોની રજુઆત કે ફરીયાદો બંધારણીય માર્ગે કરી શકે તે માટે કોંગ્રેસની સ્થાપના જરૂરી છે. કોંગ્રેસના પહેલાં પ્રમુખ તરીકે ડબલ્યુ.સી. બેનર્જીની નિમણૂંક કરવામાં આવી. શ્રી બેનર્જીએ કોંગ્રેસની સ્થાપનાના ચાર હેતુ જણાવ્યા હતાં જે નીચે પ્રમાણે હતા.

દેશ ભરના રાષ્ટ્રવાદી અગ્રણીઓ વચ્ચે ભાઈચારાની લાગણી પ્રસરે અને બધા ખભેખભા મીલાવી ભારતની આઝાદીની દિશામાં આગળ વધે તે કોંગ્રેસનો પ્રથમ હેતુ છે.

ભારતમાં જે નાતજાતના, ધર્મના વડા છે, તેને બાજુએ રાખી, રાષ્ટ્રીય ભાવના કેળવી, સંકુચિત ભાવનાનો ત્યાગ કરી આપણે બધા એક મંચ પર એકત્રિત થઈએ.

ભારતમાં જે નવી જાગૃતિ આવી છે અને ભણેલો વર્ગ સમાજને દોરવા આગળ આવ્યો છે તે સૌ આ મંચ પરથી સામાજીક પ્રશ્નો પણ હાથ ધરશે.

આગામી એક વર્ષમાં ભારતીય નાગરીકોની આ સંસ્થા લોકહિતના ક્યા કામો કરવા તે નક્કી કરી તે દિશામાં આગળ વધશે.

ઉપરોક્ત સમાન વિચારધારામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જન્મ થયો. આ ઘટનાને દેશભરના અગ્રણીઓ અને અખબારોએ વધાવી લેતા જણાવ્યું કે “આજે સ્થપાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભરતની ભવિષ્યની સંસદનું નાભિબિંદુ બની રહેશે”. ૧૮૮૫માં સ્થપાયેલી કોંગ્રેસ ભારતીય પ્રજાને ભારતના સંપૂર્ણ સ્વાતંત્ર્યની દિશામાં દોરી જવામાં સફળ થઈ.

૧૮૫૭ના બળવા પછી બ્રીટીશરોનું શાસન દેશમાં સ્થપાયું, દેશ ગુલામ બન્યો, અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમની રાજકિય વિચારધારા અને ઉદારમત વાદ તથા લોકશાહી ખ્યાલો સાથે ભારતનો શિક્ષિત વર્ગ સંપર્કમાં આવ્યો અને પરીણામે ભારતમાં રાષ્ટ્રવાદનો વિકાસ થયો. અંગ્રેજોના શાસનમાં ભારતની પ્રજાનું આર્થિક દ્વષ્ટીએ ખૂબ જ શોષણ થયું હતું, જેનો ચિતાર દાદાભાઈ નવરોજજીએ તેમના પુસ્તકમાં કરેલ છે. આ બધી પરિસ્થિતિના લીધે ભારતના લોકોના હૃદયમાં બ્રીટીશ શાસન સામે અસંતોષ જાગ્યો હતો અને ગુલામીની સ્થિતિમાંથી મુક્ત થવા જાગૃત થયો.

પશ્ચિમની કેળવણી પામેલો આ બૌધ્ધિક મધ્યમ વર્ગ શરૂઆતમાં બ્રીટીશ શાસનનો પ્રસંશક હોવા છતાં તે બ્રીટીશ શાસનની ટીકા કરતો હતો અને ધીરે ધીરે બ્રીટીશરો સાથે સુધારાઓની માંગણીની સાથોસાથ સ્વરાજની માંગણી કરી. લોકમાન્ય તિલકે તો “સ્વરાજ મારો જન્મસિધ્ધ હક્ક છે” તેવી ઘોષણા પણ કરી.

અખિલ ભારતીય કોંગ્રેસના દર વર્ષે સંમેલનો યોજી આઝાદીની લડત તેમજ વિવિધ કાર્યક્રમો આપવામાં આવતાં હતા. ગુજરાતમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ૧૯૦૨ અમદાવાદ ખાતે અને દ્વિતિય અધિવેશન ૧૯૦૭ માં સુરત ખાતે ભરાયુ હતું. કોંગ્રેસના અધિવેશનમાં હિન્દુઓ, મુસ્લીમો, પારસીઓ, સમાજ સેવકો વગેરે તો હાજર રહેતા પરંતુ મહિલાઓ પણ ઉપસ્થિત રહેતી હતી.

ગાંધીજી ૧૯૧૫માં ભારતમાં આવ્યા તે પહેલાં ગુજરાતમાં તિલક, અરવિંદ ઘોષ, બીપીનચંદ્ર પાલ જેવા જલદનીતિના હિમાયતી હતા તો ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજજી તેમજ ગોખલે જેવા મવાળ વિચારધારા ધરાવતા નેતાઓ પણ હતાં. ગાંધીજીના આવ્યા પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉચ્ચ વર્ગીય બૌદ્ધિકોની સંસ્થા હતી પરંતુ ગાંધીજી આવ્યા પછી સંસ્થાનું સમગ્ર પરિવર્તન થયું. દલિતો, આદિવાસીઓ, ઔદ્યોગિક મજૂરો, ખેડૂતો, હળપતીઓ, લઘુમતીઓ અને સ્ત્રીઓ ગાંધીજીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રવાદી લડતમાં જોડાયા.

ગાંધીજીએ કોંગ્રેસને લોકસેવાનું માધ્યમ બનાવ્યું, રાષ્ટ્રીય આંદોલનો અને રચનાત્મક કાર્યક્રમોને સાંકળીને સમગ્ર દેશમાં જાગૃતિ લાવ્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પાયો ૧૯૧૪ માં નાખ્યો, જેના પ્રથમ પ્રમુખ તરીકે તેમના ચુનંદા સેનાપતિશ્રી વલ્લભભાઈ પટેલ (સરદાર સાહેબ) ને બનાવ્યા. ૧૯૨૦ માં ગાંધીજીએ અસહકારના આંદોલનનું નેતૃત્વ લીધુ તે પહેલાં તેમણે ચંપારણ અને ખેડાના સત્યાગ્રહો આદર્યા હતાં. ખેડા જીલ્લામાં પૂરથી ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થયું, એટલે મહેસુલ ચૂકવણામાં ખેડૂતોએ રાહત માંગી, પરંતુ બ્રીટીશ શાસને તે નકારી અને મહેસુલ વસુલાત કરવા ખેતરો, પાક અને ખેડૂતોની મિલ્કતની જપ્તી કરવાના આકરા પગલાં લીધા. પરીણામે, વેરો ન ભરવાની અસહકારની ચળવળ ગાંધીજીની આગેવાની હેઠળ શરૂ થઈ, બારડોલી સત્યાગ્રહની આગેવાનીશ્રી વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી અને તે સત્યાગ્રહ ખૂબ અસરકારક બનતા ગાંધીજીએ તેમને “સરદાર”નું બિરૂદ આપ્યું.

અખિલ ભારતીય કોંગ્રેસ નદીના પ્રવાહની જેમ પરિવર્તનશીલ રહી. ગાંધીજીનું નેતૃત્વ મળતા અભૂતપૂર્વ અહિંસક ક્રાન્તિનું સર્જન થયું. જે રીતે દેશમાં સ્ત્રી, પુરુષો, વિદ્યાર્થીઓ અને યુવકો બ્રીટીશ સલ્તનત સામે લડ્યા તે વિશ્વના ઈતિહાસમાં અપૂર્વ અને અદ્વિતિય છે. કોંગ્રેસ સાચા અર્થમાં બહુમુખી પ્રતિભા ધરાવતી સંસ્થા બની. એક તરફ કોંગ્રેસે રાષ્ટ્રીય આઝાદીની લડતો ઉપાડી તો બીજી તરફ તેણે દેશના આર્થિક ઉત્થાન માટે ખાદી અને સ્વદેશની પ્રવૃતિઓ વિકસાવી. ગાંધીજીના નેતૃત્વ હેઠળ અનેક સ્વયંસેવકોએ દલિતો અને આદિવાસીઓના ઉત્થાનની પ્રવૃત્તિઓને વેગ આપ્યો. સ્ત્રીઓ પણ પ્રભાત ફેરીઓ તેમજ પીકેટીંગમાં ભાગ લેવા લાગી.

ગાંધીજીએ ચલાવેલી અહિંસક લડત “ધર્મયુધ્ધ”હતું, “હૃદય પરિવર્તન” યુધ્ધ હતુ, પ્રજા માનસમાં હિંમત તથા શક્તિ સંચિત થયા, પ્રજા સ્વતંત્રતા માટે તૈયાર થઈ, ભારતની બહુમતી વૈવિધ્ય ભરી સંસ્કૃતિ અને સભ્યતા વિશે ગાંધીજી અને તેમની સાથે કોંગ્રેસની નેતાગીરી સંપૂર્ણ રીતે કટીબધ્ધ હતી. કોમવાદના સાંકડા માનસને તેમાં કદી સ્થાન અપાયું નહોતુ. કોંગ્રેસમાં ગાંધીજીનું મોટુ પ્રદાન એ છે કે તેમણે કાર્યક્રમો આપ્યા અને તે પાળી બતાવ્યા, તેમણે ઠરાવો કરાવ્યા અને તેનો અમલ પણ કરી બતાવ્યો. ૧૯૨૮ ના લાહોર અધિવેશનમાં ભારત માટે “સંપૂર્ણ આઝાદી” અંગેનો ઠરાવ થયો. કડકડતી ઠંડીમાં હજારોની મેદની વચ્ચે રાવી નદીના તટે સ્વરાજની પ્રતિજ્ઞા લોકોએ લીધી, પરંતુ આ ઠરાવ કે પ્રતિજ્ઞાનો અમલ બ્રીટીશ શાસને અમલ ન કરતાં ગાંધીજીએ દાંડી કૂચનો કાર્યક્રમ આપ્યો.

૧૨મી માર્ચ, ૧૯૩૦ ના રોજ સાબરમતી આશ્રમથી ૭૮ સત્યાગ્રહીઓ સાથે દાંડીકૂચ માટેનું મહાપ્રયાણ આદર્યુ જેમાં કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા. ગાંધીજીના રહસ્ય મંત્રીશ્રી મહાદેવભાઈ દેસાઈએ આ દાંડી કૂચને “યુધ્ધનું મહાભિનિષ્ક્રણ” યાદ અપાવ્યું હતું. ગાંધીજીએ ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે “કાગડા – કુતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો નહિ ફરું”.દાંડીમાં મહાત્માએ એક મુઠ્ઠી મીઠુ લઈને જાહેર કર્યુ કે “હું મીઠાના કાયદાને જાહેરમાં તોડું છું”.દાંડી કૂચથી સમગ્ર દેશ અને કોંગ્રેસી જનોમાં અપાર જાગૃતિ આવી અને સ્વાતંત્રતાની લડત બુલંદ બનાવી. દાંડી કૂચમાં ગાંધીજી અને અન્ય સત્યાગ્રહીઓની ધરપકડ થતાં ધારાસણા મુકામે સરોજીની નાયડુના નેતૃત્વ નીચે મીઠા સત્યાગ્રહનું સંચાલન થયું. લોકો પર લાઠીઓ ચલાવવામાં આવી, લોકો તારની વાડ ઓળંગતા ઘવાયા પરંતુ લોકોની સ્વાતંત્ર પ્રાપ્તિની ખુમારી અતૂટ રહી.

માર્ચ ૧૯૩૯ માં ત્રિપુરા ખાતે મળેલ કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસે સ્પષ્ટ જાહેર કર્યું કે વિશ્વ શાંતિ માટે શાહીવાદ અને ફાંસીવાદનો વહેલી તકે અંત લાવવો જોઈએ અને ભારત આઝાદ થયા પછી પોતાની આગવી પરદેશ નીતિ ઘડશે. ૧૯૪૦માં રામનગર ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં સ્પષ્ટ જાહેર કરાયું કે કોંગ્રેસને સંપૂર્ણ સ્વરાજયથી ઓછુ કોઈ ખપતુ નથી. બ્રીટીશરો યુધ્ધ પોતાના સ્વાર્થ માટે લડે છે જેમાં કોંગ્રેસ ભાગીદાર બનશે નહિ. કોંગ્રેસે પ્રચંડ લડતની શરૂઆત કરી તે માટેની સર્વસત્તા ગાંધીજીને સોંપી. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ૧૭ ઓક્ટોબર, ૧૯૪૦ થી શરૂઆત કરી. આમ છતાં, બ્રીટીશરોની ભારતને આઝાદી આપવાની કોઈ તત્પરતા દેખાઈ નહિ એટલે ૮ ઓગષ્ટ ૧૯૪૨ ના દિવસે મુંબઈ ખાતે કોંગ્રેસ મહા સમિતિની બેઠક મળી અને પ્રચંડ બહુમતિથી “ભારત છોડો” ઠરાવ પસાર થયો ગાંધીજીએ પ્રજાને “કરેંગે યા મરેંગે” મંત્ર આપ્યો અને પ્રજાએ તેને અક્ષરશઃ પાળ્યો.

ગાંધીજીએ કહ્યું કે “આપણે દેશને આઝાદ કરીશું કાં તો આપણે મટી જઈશું”, આ ક્ષણથી દરેક નાગરીક પોતાને ભારતનો આઝાદ નાગરીક ગણે અને બ્રીટનની એડી નીચેથી બહાર નીકળી આઝાદ નાગરીકની જેમ ઉંચા મસ્તકે ટટ્ટાર ઉભો રહે.

“કરેંગે યા મરેંગે” ની લડાઈ ૧૯૪૭ સુધી ચાલી, બ્રીટીશરોએ “ભાગલા પાડો અને રાજ કરો” ની કૂટનીતિ અજમાવી, હિન્દુ – મુસ્લીમમાં ભંગાણ પડાવ્યું, ૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ના દિવસે ભારત આઝાદ થયું ૧૪મી ઓગષ્ટે મધ્યરાત્રીએ નહેરૂજીએ ઐતિહાસિક પ્રવચન કરતાં જણાવ્યું કે “આજે મધ્યરાત્રીએ વિશ્વ જયારે સૂતુ હશે ત્યારે મધ્ય રાત્રીના ૧૨ ના ટકોરે ભારત સ્વાતંત્ર પ્રાપ્તિ માટે જાગતુ હશે. ૧૫મી ઓગષ્ટે બંધારણના સભ્યોએ સોગંદવિધિ કરીને પ્રતિજ્ઞા કરી કે”અમે સ્વતંત્ર ભારતના સેવકો છીએ, હવે પછીના દિવસોમાં ભારત વિશ્વ કલ્યાણ, માનવ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે સક્રિય રહેશે.

ભારતની આઝાદી પછીનો ઈતિહાસ આપ સૌને વિદિત છે. સ્વતંત્રતા મળ્યા પછી પણ ભારતમાં લોકશાહી, આયોજનબધ્ધ પધ્ધતિથી રાષ્ટ્ર વિકાસની ગતિ ચાલી રહી છે. જેનું સમગ્ર શ્રેય કોંગ્રેસને જાય છે. ભારતના બંધારણમાં દર્શાવેલ પ્રજાસત્તાક, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સમાનતા તેમજ માનવીય ગૌરવના મૂલ્યો જાળવવામાં કોંગ્રેસ સદૈવ અગ્રણી રહી રાષ્ટ્રને નેતૃત્વ આપતી રહી છે અને ભવિષ્યમાં આવનાર તમામ પડકારોને પહોંચી વળીને “આમ આદમીના લોક કલ્યાણ” માટે પોતાના તમામ પ્રયાસો આદરશે તેવા રાષ્ટ્ર પ્રત્યે અમારા શપથ છે.

આઝાદી મળવાના સમયે જ દેશના ભાગલાની કપરી પળો અને ભાગલા બાદ આવેલા નિરાશ્રીતોની સંપૂર્ણ સુવિધાઓની વ્યવસ્થા કરવી અને તે પણ ખુબ જ સરળતા પૂર્વક પાર પાડવામાં કોંગ્રેસ અને શાસકોએ ખૂબ જ ધૈર્ય અને હિંમતથી કામ કર્યું. દેશના ૫૬૮ રજવાડાઓને એક કરી અખંડ ભારતના નિર્માણનું કઠણ, મુત્સદીગીરી અને કુનેહથી સરદાર વલ્લભભાઈ પટેલે પાર પાડ્યું.

વિદ્યુત પાવર સ્ટેશનો, થર્મલ પાવર સ્ટેશનો, ભાખરા નાંગલ જેવા અનેક બંધો, એરક્રાફટ ફેક્ટરી, ભેલ, ભાભા અણુમથક જેવી સંસ્થાઓ બાંધવામાં આવી. ગુજરાતમાં નર્મદાનો પાયો પણ તે સમયે પંડિત જવાહરલાલ નહેરૂએ નાખ્યો.

વિવિધ પંચવર્ષીય યોજનાઓ દ્વારા આર્થિક વિકાસનો પાયો મજબુત બનાવ્યો. દેશના લોકોની રોજગારીની ખૂબ મોટી જવાબદારી નિભાવી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવ્યું. રોડ, રસ્તા, પાણીની સુવિધા, ખાતરના કારખાના, જાહેર ક્ષેત્રના સાહસો જેવાં કે મથુરા રીફાઈનરી, કોયલી રીફાઈનરી, આઈ.પી.સી.એલ. જેવા અનેક સાહસો સ્થાપ્યા. કૃષિ ક્ષેત્રે ભારત સ્વાવલંબી બને તે માટેના સુધારેલા ખેતી ઓજારો, સુધારેલુ બિયારણ, સિંચાઈ વગેરેના ભગીરથ પ્રયાસો કર્યા જેના કારણે આપણે સ્વાવલંબી બન્યા છીએ અને ભારતમાં હરિત અને શ્વેત ક્રાંતિના મંડાણ થયાં.

ઉચ્ચ શિક્ષણ માટે આઈ.આઈ.એમ., આઈ.આઈ.ટી., વૈજ્ઞાનિક સંશોધનની સ્થાપનાઓ ઉપરાંત અનેક યુનિવર્સીટીઓની સ્થાપના, ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ મોટી હરણફાળ ભરી. આરોગ્ય ક્ષેત્રે સુધારાઓ માટે તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ હોસ્પીટલોની વ્યવસ્થા કરી.

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને તેમના પ્રધાન મંડળે દેશને વિકાસની દિશામાં બીજા દેશોની હરોળમાં મૂકી દીધો. ડૉ. બાબા સાહેબ આંબેડકરે દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ આપ્યું.

લાલ બહાદુર શાસ્ત્રીએ “જય જવાન – જય કિસાન” નો નારો આપી દેશના લોકોનું ખમીર જગાવ્યું. શ્રીમતિ ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવો ની વાત કરી, બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યુ અને હરીયાળી ક્રાંતિ સર્જી.

રાજીવ ગાંધીએ દેશને ૨૧મી સદીમાં લઈ જવાનું સ્વપ્ન સાકાર કર્યું. આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટિ એવા રાજીવ ગાંધીએ નવી ટેકનોલોજી, વિજ્ઞાન અને ઈન્ફો ક્ષેત્રે નવી ક્રાંતિ આણી.

આજે શ્રીમતિ સોનિયા ગાંધી અને માન. ડૉ. મનમોહન સીંઘના નેતૃત્વમાં ભારત દુનિયાના દેશમાં અગ્ર ક્રમે આવી ગયો છે. અનેક ક્ષેત્રે ખૂબ મોટી પ્રગતિ અને તેમાંયે પરમાણુ કરાર શિરમોર સમાન છે. દુનિયાનું કોઈ જ એવું ક્ષેત્રે નહિ હોય જેમાં ભારત પાછળ હોય. દુનિયામાં ઉંચા મસ્તકે દેશને જોઈ રહ્યાં છીએ.

કોંગ્રેસના કાર્યકર્તાઓ હમેંશા ત્યાગ, સમર્પણ, સાદાઈ, કોમી એકતા વગેરે આદર્શોને વરેલા છે, જેનો તાદૃશ્ય પુરાવો એ.આઈ.સી.સી. ના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી છે. જયારે દેશમાં યુપીએ સરકારના વડાપ્રધાનપદનો શ્રીમતિ સોનિયા ગાંધીએ ત્યાગ કર્યો અને તેમણે પ્રમાણિક અને નિષ્ઠાવાન ડૉ. મનમોહન સીંઘનું નામ જાહેર કર્યું.

દેશમાં આતંકવાદે ભરડો લીધો અને તેમાં દેશના વડાપ્રધાન શ્રીમતિ ઈન્દિરા ગાંધીના દેહને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો અને રાજીવ ગાંધીના માનવ બોંબના આત્મઘાતી હુમલામાં દેહના ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા. બદિલાન તો કોંગ્રેસના આવા સર્મિપત નેતાઓ જ આપી શકે છે.