પોરબંદરમાં ગોડાઉન ઉપર જનતા રેડ, છૂટ્ટી મગફળીનાં ઢગલાં, રેતી અને ધૂળ

રાજ્યભરમાં મગફળી કૌભાંડ સળગી રહ્યું છે ત્યારે પોરબંદરમાં પણ કોંગ્રેસ દ્વારા પાડવામાં આવેલી  જનતા રેડમાં અને ચોંકાવનારી માહિતી બહાર આવી  છે જેમાં મગફળીના ગોડાઉનમાં આગળના ભાગે ચોકીદાર હતો પરંતુ પાછળથી ચોર દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો તે ઉપરાંત મગફળી બારદાનમાં બંધ રાખવાને બદલે છુટ્ટા ઢગલા રાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા સહિતની ટીમે જનતા રેડ પાડી હતી. ગુજરાત મેરીટાઇમ બોર્ડના ગોડાઉન/ વેર હાઉસમાં પણ આ ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો સ્ટોક ગુજકોટ કંપની દ્વારા રાખવામાં આવ્યો હોય, આ ગોડાઉનમાં ખરેખર કેવી મગફળી છે તે બાબતે તપાસ કરવા પોરબંદરના મીડીયાને સાથે રાખી અર્જુનભાઇ મોઢવાડીયા દ્વારા આ ગોડાઉન પર જનતા રેડ કરતા અનેક મુદ્દાઓ સામે આવ્યા જેમાં ગોડાઉનમાં આગળ દરવાજામાં તાળુ છે, ચોકીદાર છે પરંતુ પાછળના ભાગે ચોર દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે, ગોડાઉન ઉપરથી તુટેલો છે, વરસાદનું પાણી ગોડાઉનમાં ઉતરે  છે. ગોડાઉનમાં લુઝ/ છુટી મગફળીના ઢગલા મળ્યા, નિયમ અનુસાર ટેકાના કેન્દ્ર પરથી જ મગફળી બારદાન/ ગુણીમાં ફરજીયાત ભરવાની હોય છે તો ગોડાઉનમાં લુઝ/ છુટી મગફળીના ઢગલા કેમ પડયા છે? ગોડાઉનમાં ખાલી બારદાનના  ઢગલા મળી આવ્યા આ ખાલી બારદાન અનેક સવાલ ઉભા કરે છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/people-redding-on-godown-in-porbandar-lettuce-peanuts-sand-and-dust